પૂર્વયોજિત સિઝેરિયન જન્મ
દસમાંથી માત્ર એક મહિલાનું પૂર્વયોજિત સિઝેરિયન થશે. આ વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે, અને આનો નિર્ણય તમારી પ્રસૂતિ અને મિડવાઇફરી ટીમ સાથે મળીને લેશે.
કેટલીક મહિલાઓને પૂર્વયોજિત સિઝેરિયન તારીખ પહેલાં પ્રસૂતિની પીડા શરૂ થાય છે અથવા પાણીની કોથળી ફાટી જાય છે.
જો આવું થાય, તો તમારે તરત જ તમારા પ્રસૂતિ એકમનો સંપર્ક કરવો જોઈએ. તમારા સિઝેરિયનના આગલા દિવસે તમને કેટલીક દવાઓ લેવા માટે કહેવામાં આવશે. આને તમારા ઑપરેશનની આગલી રાતે અને સવારે પણ નિર્દેશન મુજબ લેવી જોઈએ.
તમારે મધ્યરાત્રિ પછી કોઈપણ ખોરાક ન લેવો જોઈએ પરંતુ તમારા ઓપરેશનની સવારે 6 વાગ્યા સુધી પાણી પી શકો છો. તમારા સિઝેરિયનના દિવસે તમે સામાન્ય રીતે તમારા પ્રસૂતિ એકમમાં વહેલી સવારે પહોંચશો. ક્યારેક જો લેબર વોર્ડ વ્યસ્ત હોય, તો તમારું ઓપરેશન શરૂ થાય તે પહેલાં તમારે અમુક સમય માટે રાહ જોવી પડી શકે છે. ઑપરેટિંગ થિયેટરમાં, તમારો પસંદ કરેલ જન્મસાથી સામાન્ય રીતે તમારી સાથે રહી શકે છે અને સમગ્ર સર્જરી દરમિયાન તમારી સાથે રહી શકે છે, સિવાય કે, તબીબી કારણોસર, તમારે સામાન્ય એનેસ્થેટિક (ઘેનની દવા) ની જરૂર હોય. મોટાભાગની સ્ત્રીઓને સ્પાઇનલ એનેસ્થેટિક (કમરમાં ઘેનની દવા) અથવા સંયુક્ત સ્પાઇનલ એપિડ્યુરલ હોય છે જેના કારણે શરીર પેટથી પગ સુધી સુન્ન થઈ જાય છે.
તમારા મૂત્રાશયમાં મૂત્રનલિકા દાખલ કરવામાં આવશે, અને આ સામાન્ય રીતે બીજા દિવસે કાઢી લેવામાં આવશે. એકવાર ઑપરેશન શરૂ થઈ જાય, પછી સામાન્ય રીતે બાળકનો જન્મ 10 મિનિટની અંદર થાય છે, અને બધુ સારું હોય તો ઑપરેશન પૂર્ણ થાય ત્યારે તમે ઑપરેટિંગ થિયેટરમાં તમારા બાળક સાથે ત્વચાથી ત્વચાનો સંપર્ક કરી શકો છો. જો તમારી પાણીની કોથળી ફાટી હોય, તો સંક્રમણના જોખમને ઘટાડવા માટે યોનિમાર્ગને સાફ કરવા માટે હળવા સોલ્યુશનનો ઉપયોગ કરવામાં આવશે. શસ્ત્રક્રિયા પછી તમે પુનઃપ્રાપ્તિ વિસ્તારમાં થોડા કલાકો પસાર કરશો, અને નર્સ અથવા દાયણ તમારા અવલોકનો નિયમિતપણે તપાસશે.
આ સમય દરમિયાન તમે તમારા બાળક સાથે બંધન બાંધી શકો છો અને એને સ્તનપાન કરાવવાનું શરૂ કરી શકો છો. તમારી ઘેનની દવાની અસર થોડા કલાકો પછી દૂર થઈ જશે.
તમારી સ્વાસ્થ્ય પર આધાર રાખીને, તમે સામાન્ય રીતે પોસ્ટનેટલ (પ્રસૂતિ પછીનાં) વોર્ડમાં એક થી ત્રણ રાત સુધી રોકાશો. તમને નિયમિત પેઇનકિલર્સ આપવામાં આવશે. એકવાર ઘેનની દવાની અસર બંધ દૂર થઈ જાય પછી તમને હલન-ચલનમાં મદદ કરવામાં આવશે. સર્જરી પછી લોહીના ગંઠાવાનું જોખમ ઘટાડવા માટે તમામ મહિલાઓ માટે વહેલા ગતિશીલતા અને પ્રેશર સ્ટોકિંગ્સની ભલામણ કરવામાં આવે છે. કેટલીક મહિલાઓને લોહી પાતળું કરવાના ઈન્જેક્શન આપવાની ભલામણ કરવામાં આવે છે.
