ગર્ભાવસ્થામાં થતી માંદગી અને હાયપરમેસિસ ગ્રેવિડેરમ
ગર્ભાવસ્થામાં થતી માંદગી શું છે?
સામાન્ય રીતે ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં આવતા ઉબકા અને અવારનવાર થતી ઉલટી ગર્ભાવસ્થામાં થતી સામાન્ય માંદગી છે. ઘણી ગર્ભાવસ્થામાં આવું થવું સામાન્ય હોય છે અને સામાન્ય રીતે 4-6 અઠવાડિયાની આસપાસ શરૂ થઈને 12-20 અઠવાડિયાની વચ્ચે આ લક્ષણો ઓછા થઈ જાય છે. આની અસર તમને દિવસ કે રાત્રિના કોઈ પણ સમયે દેખાય છે, જ્યારે કેટલીક મહિલાઓ આખો દિવસ બીમાર રહે છે. સામાન્ય રીતે આની સારવાર આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરીને કરી શકાય છે. ગર્ભાવસ્થાનો સામાન્ય ભાગ હોવાને લીધે સામાન્ય રીતે આની કોઈ ખરાબ શારીરિક અથવા માનસિક આડઅસર નથી.
સામનો કરવાની સ્ટ્રૅટેજી (યુક્તિ)
જો તમારી માંદગી વધુ ન હોય, તો તમે જીવનશૈલીમાં કેટલાક ફેરફારો અજમાવી શકો છો:
પુષ્કળ આરામ કરો કારણ કે થાકને લીધે ઉબકા વધી શકે છે.
તમને બીમાર કરી શકે એવા ખોરાક અથવા ગંધને ટાળો
પથારીમાંથી ઉઠતા પહેલા સૂકા ટોસ્ટ અથવા સાદા બિસ્કીટ ખાઓ.
જેમાં કાર્બોહાઇડ્રેટ વધુ અને ચરબી ઓછી હોય એવો સાદો ખોરાક થોડા પ્રમાણમાં વારંવાર લો.(જેમ કે બ્રેડ, ભાત, ક્રેકર્સ( કકરી બિસ્કીટ) અને પાસ્તા)
જો ગરમ ખોરાકની ગંધ તમને બીમાર કરે છે, તો ગરમને બદલે ઠંડો ખોરાક ખાઓ.
પાણી અને અન્ય પ્રવાહીનું સેવન પુષ્કળ પ્રમાણમાં કરો. (વારંવાર થોડા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવાથી ઉલટી અટકી જાય છે)
મદદ ક્યારે લેવી
જ્યારે તમારા રોજિંદા જીવન પર અસર થઈ રહી હોય અને તમે તમારી સામાન્ય પ્રવૃત્તિઓ ન કરી શકતા હોવ ત્યારે.
જો લક્ષણો તમારી અપેક્ષા કરતાં વધુ ખરાબ હોય
જો કોઈ ખોરાક કે પીણાંનું પાચન ન થતું હોય અથવા બહુ ઓછી માત્રામાં થતું હોય
જો તમારૂં વજન ઘટ્યું હોય
જો તમે ડિહાઈડ્રેશનનાં લક્ષણો ધરાવતા હોવ, જેમ કે શુષ્ક મોં, શુષ્ક હોઠ, માથાનો દુખાવો અથવા ચક્કર, નબળાઇ અથવા મૂંઝારો. પેશાબમાં ફેરફાર જેમકે રંગ ઘાટો હોવો, પેશાબ પૂરતો ન થવો અથવા માત્રા ઓછી હોવી.
જો તમને શંકા હોય કે તમારી બીમારી વધુ ગંભીર છે, તો કૃપા કરીને હાયપરમેસિસ ગ્રેવિડેરમ વિશે નીચેની માહિતી જુઓ.
હાયપરમેસિસ ગ્રેવિડેરમ શું છે?
હાયપરમેસિસ ગ્રેવિડેરમ (HG) ગર્ભાવસ્થામાં થતી એવી ગંભીર બીમારી અને ઉબકા છે, જેમાં મેડિકલ સારવાર અને ભાવનાત્મક સહાયતાની જરૂર પડે છે. આને લીધે વજનમાં ઘટાડો અને ડિહાઇડ્રેશન પણ થઈ શકે છે. આ બીમારી દર વર્ષે લગભગ 10,000-20,000 ગર્ભવતી મહિલાઓને અસર કરે છે. આ લક્ષણો ઘણા વહેલા, ઘણી વાર પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવતા પહેલા પણ શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે આનાં લક્ષણો 9-13 અઠવાડિયામાં સૌથી વધુ હોય છે અને 16-24 અઠવાડિયાની આસપાસ થોડા ઓછા થઈ જાય છે, પરંતુ કેટલીક મહિલાઓમાં આ માંદગી ગર્ભાવસ્થાનાં સપૂર્ણ ગાળા દરમિયાન ચાલુ રહે છે.
મદદ ક્યારે લેવી
જો તમે વારંવાર બીમાર પડો છો અને ખોરાક પેટમાં રહેતો નથી, તો તમારી દાયણ અથવા ડૉક્ટરને જણાવો અથવા શક્ય હોય તેટલી વહેલી તકે હોસ્પિટલનો સંપર્ક કરો. તમને ડિહાઈડ્રેશન થવાનું જોખમ છે અને તમને શક્ય તેટલી વહેલી તકે યોગ્ય સારવાર મળે તે મહત્વનું છે.જો તમને HG, અથવા ગંભીર ઉબકા અને ઉલટીની આશંકા હોય અથવા તમને નીચેનામાંથી કોઈ પણ લક્ષણો હોય તો તમારે મદદ લેવી જોઈએ:
તમારી નોકરી, ઘર અથવા અન્ય બાળકોની દેખભાળ અથવા તમારી પોતાની દેખભાળ જેવી રોજબરોજની પ્રવૃત્તિઓને અસર કરતાં લાંબા સમય સુધી અથવા સતત થતાં ઉબકા અને/અથવા ઉલટી
તમને ડિહાઇડ્રેશનના સંકેતો હોય, જેમ કે શુષ્ક મોં, સૂકા હોઠ, માથાનો દુખાવો, ચક્કર, નબળાઇ, મૂંઝવણ અનુભવવી. જો તમારો પેશાબ બદલાય, જેમ કે ઘાટા રંગનો હોય, તમે વધુ વાર જતા નથી અથવા પેશાબ થોડી જ માત્રામાં આવે છે.
જો તમારૂં વજન ઓછું થયું હોય, તો એ પણ HGનું જ એક લક્ષણ હોઈ શકે છે.
તમારા લક્ષણો તમારા માનસિક સ્વાસ્થ્યને અસર કરી રહ્યાં હોય અને તમે તેનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છો અથવા જો તમને પહેલાં HG થયો હોય, તો દુર્ભાગ્યે શક્યતા એ છે કે તમને બીજી ગર્ભાવસ્થામાં પણ HG ફરી થાય. જો તમે બીજી વાર ગર્ભધારણ કરવાનું નક્કી કરો છો, તો તમે અગાઉથી જ પ્લાન કરી શકો છો, જેમ કે ચાઈલ્ડ કેરની વ્યવસ્થા કરવાથી તમને પુષ્કળ આરામ મળી શકે છે. દવા વહેલા શરૂ કરવા વિશે તમારા GP સાથે વાત કરો. લક્ષણો શરૂ થાય તેની પહેલાં જ આની દવા શરૂ કરી શકાય છે.
HGનાં અન્ય લક્ષણો:
ગંધ પ્રત્યે સંવેદનશીલતા
વધુ પડતી લાળ બનવી
ડિહાઈડ્રેશનને લીધે માથાનો દુખાવો અને કબજિયાત
મૂત્રાશય પરનું નિયંત્રણ ગુમાવવું
થાક
એસિડ રિફ્લક્સ
પ્રકાશ/ઘોંઘાટ/હલનચલન પ્રત્યે સંવેદનશીલતા
સામનો કરવાની સ્ટ્રૅટેજી (યુક્તિ)
આરામ કરો! લક્ષણો હળવા થઈ ગયા હોય અને તમને લાગે કે તમે કામ કરી શકો છો, ત્યારે પણ બને તેટલો આરામ કરવો મહત્વપૂર્ણ છે.
શક્ય હોય ત્યાં સુધી ઉબકા આવે એવી સ્થિતિ ટાળો, એટલે કે જો રસોઈ કરવાનું ટાળવું પડે તો ટાળો અને જ્યારે કોઈ અન્ય રસોઈ કરી રહ્યું હોય ત્યારે રસોડાથી શક્ય હોય તેટલું દૂર રહેવું પડે, તો દૂર પણ રહો. તમે જ્યારે તમારા પરિવાર, સહકાર્યકરો અથવા મિત્રો સાથે હોવ, ત્યારે કોઈ ચોક્કસ ખોરાક ટાળવાનું પણ કહી શકો છો. ઘોંઘાટ, હલનચલન, સ્ક્રીન અથવા તેજસ્વી પ્રકાશ પણ તમારી સંવેદનાને ટ્રિગર કરી શકે છે અને જો તેનાંથી તમે બીમાર પડી શકો એવું લાગે તો તેને ટાળવું જોઈએ.
ધ્યાન રાખો કે તમે ડિહાઈડ્રેટ ન થઈ જાઓ. જો કંઈ પીવાથી ઉલટી અથવા ઉબકા આવે છે, તો જ્યુસથી બનેલી આઈસ ક્યુબ્સ ચૂસીને અથવા પીણું સ્ટ્રો દ્વારા ખૂબ ધીમેથી પીને તમે હાઇડ્રેટેડ રહી શકો છો. નળનાં પાણી કરતા બોટલનું પાણી વધુ સારૂં લાગી શકે છે. જો તમારા પેટમાં પ્રવાહી ટકતું નથી, તો તમારે ડ્રિપ દ્વારા પ્રવાહી લેવા માટે હોસ્પિટલમાં દાખલ થવું પડશે. આ તમારા અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને આનાથી તમે સ્વસ્થ અનુભવશો.
એક ડાયરી રાખો. તમને કઈ સારવારની જરૂર છે તેનું મૂલ્યાંકન કરવા અને તમને કયા ખોરાકને લીધે તકલીફ થાય છે તે જોવા માટે તમારા ખોરાક અને પીણાનાં સેવનને ટ્રૅક કરવામાં આ ડાયરી ડૉક્ટરને મદદરૂપ થશે. તમારા લક્ષણોને ટ્રૅક કરવાથી એક પેટર્ન દેખાશે જેના પરથી તમે જાણી શકશો કે ક્યારે ખાવું તમારા માટે શ્રેષ્ઠ છે. જ્યારે તમને જાણ હોય કે તમારા લક્ષણો વધુ ખરાબ થઈ શકે છે, ત્યારે તે તમને તેનાં સામના માટે તૈયાર થવામાં મદદ પણ કરી શકે છે.