Pregnancy sickness: Frequently asked questions

ગર્ભાવસ્થાની માંદગી: વારંવાર પૂછાતા પ્રશ્નો

Woman feeling sick in early pregnancy

મારા માટે આનો શું અર્થ છે?

ઉબકા અને ઉલટી ગર્ભાવસ્થાના સામાન્ય લક્ષણો છે અને 10 માંથી 8 મહિલાઓ પર આની અસર દેખાય છે. તે સામાન્ય રીતે ગર્ભાવસ્થાના પ્રારંભમાં શરૂ થઈને પ્રથમ ત્રિમાસિકના અંત સુધીમાં ઉકેલાઈ જાય છે, જો કે અમુક કિસ્સાઓમાં તે લાંબા સમય સુધી થઈ શકે છે. કેટલીક મહિલાઓમાં આનાં લક્ષણો વધુ ગંભીર હોય છે, ખાસ કરીને જો:
  • તેમને આ પહેલાં પણ આ લક્ષણો દેખાયા હોય અથવા
  • જોડિયા અથવા ત્રણ બાળકો જેવી બહુવિધ ગર્ભાવસ્થા હોય;
  • મોલર પ્રેગ્નન્સી તરીકે ઓળખાતી અસામાન્ય સ્થિતિ હોય.
કેટલીકવાર ઉબકા અને ઉલટી તમારા આંતરડા, કિડની અથવા અપેન્ડિક્સના ચેપ અથવા તમારા પેટમાં બળતરા જેવા કારણોને કારણે થાય છે. આ અન્ય કારણોને બાકાત રાખવામાં આવે તે મહત્વનું છે, ખાસ કરીને જો તમને તાવ, તમારી ઉલટીમાં લોહી, પેટમાં દુખાવો અથવા ઢીલી મળ જેવા અસામાન્ય લક્ષણો હોય. જો આ લક્ષણો તમારી ગર્ભાવસ્થાના 11માં અઠવાડિયા પછી જ શરૂ થયા હોય તો આ અન્ય કારણોને ધ્યાનમાં લેવું ખૂબ જરૂરી છે.

હાયપરમેસિસ ગ્રેવિડેરમ (HG) શું છે?

આ ગર્ભાવસ્થામાં થતા ઉબકા અને ઉલટીનું એ ગંભીર સ્વરૂપ છે, જેમાં તમને ડિહાઈડ્રેશન થાય છે, તમે નોંધપાત્ર પ્રમાણમાં વજન ગુમાવો છો અને તમારે અસામાન્ય બ્લડ ટેસ્ટ કરાવવા પડે છે. તે 100 ગર્ભવતી મહિલાઓમાંથી 1 થી 3 મહિલાઓને અસર કરી શકે છે. આ બીમારી ધરાવતી મહિલાઓને રિહાઈડ્રેશન માટે હોસ્પિટલમાં જવું પડી શકે છે. ઘણી મહિલાઓમાં, HG 20 અઠવાડિયા (5 મહિના) સુધીમાં થઈ જાય છે, પરંતુ ક્યારેક તે ગર્ભાવસ્થાના અંત સુધી ટકે છે. ગર્ભાવસ્થાના ઉબકા અને ઉલટી ક્યારેક તમારા મૂડ અને તમારા સામાન્ય જીવનના તમામ પાસાઓને અસર કરી શકે છે. કેટલીક મહિલાઓમાં, લક્ષણો એટલા ગંભીર હોઈ શકે છે કે તેઓ હતાશ થઈ જાય છે અને તેમને કાઉન્સેલિંગ જેવા વધારાના સહાયતાની જરૂર પડે છે. જો તમને લાગે કે તમે સતત નિરાશા અનુભવો છો તો તમારે તમારા GP, દાયણ અથવા સ્થાનિક અર્લી પ્રેગ્નન્સી યૂનિટ (EPU) સાથે વાત કરીને તેમની મદદ લેવી જોઈએ.

મારે કઈ સારવારની જરૂર છે?

હળવા લક્ષણો ધરાવતી મોટાભાગની મહિલાઓ પોતાની દેખભાળ જાતે રાખી શકે છે. તમારે ઓછી માત્રામાં વારંવાર ખાતા રહેવું જોઈએ અને એવા કોઈપણ ખોરાક અથવા ગંધથી દૂર રહેવું જોઈએ જે લક્ષણોને પ્રોત્સાહિત કરે છે. કેટલીક મહિલાઓને આદુ નાખેલી વસ્તુઓ ખાવા કે પીવાથી રાહત મળે છે. એક્યુપ્રેશર અથવા એક્યુપંક્ચર જેવા પૂરક ઉપચારો પણ મદદરૂપ થઈ શકે છે. જો આનાથી રાહત નથી મળતી, તો તમારે તમારા GPને મળવું જોઈએ, જેઓ એન્ટિ-સિકનેસ દવા પ્રિસ્ક્રાઈબ કરશે. આ દવાઓ ગર્ભાવસ્થા માટે સલામત છે. મૌખિક એન્ટિ-સિકનેસ દવા લેવા છતાં જો તમારી બીમારી ઓછી થતી નથી અને તમને નીચેનામાંથી કોઈ લક્ષણો છે, તો તમારે તમારા સ્થાનિક અકસ્માત અને ઇમર્જન્સી (A&E) વિભાગમાં જવું જોઈએ અથવા તમારી સ્થાનિક હોસ્પિટલમાં EPU સાથે વાત કરવી જોઈએ:
  • તમને કોઈ પણ ખોરાક કે પાણી ટકતું નથી.
  • તમે ડિહાઈડ્રેશન અનુભવો છો (તરસ, શુષ્ક મોં, ઘાટા રંગનો પેશાબ).
  • તમારૂં વજન ઘટ્યું છે (ગર્ભાવસ્થા પહેલાના વજનમાં 5% કે તેથી વધુનો ઘટાડો ચિંતાની બાબત છે).
  • તમને તાવ, ઉલ્ટીમાં લોહી, પેટમાં દુખાવો અથવા ઢીલી મળ આવે છે.
  • એવી બીમારી જેના માટે તમારે દવા લેવાની જરૂર છે, પણ તમે તે ઉલટીને કારણે હવે નથી લઈ શકતા, દા.ત. એન્ટિ-એપીલેપ્ટિક દવાઓ.
  • તમને હૃદય અથવા કિડનીની સમસ્યા અથવા ડાયાબિટીસ જેવી બીમારી છે.
હોસ્પિટલમાં, તમને ડ્રિપ (ટપકતું પ્રવાહી) દ્વારા પ્રવાહી તેમજ ડ્રિપ અથવા ઇન્જેક્શન દ્વારા એન્ટિ-સિકનેસ દવા આપવામાં આવશે. જો આના નિયમિત ઉપયોગ પછી પણ રાહત ન થાય, તો તમારી સારવાર માટે ડ્રિપમાં કોર્ટીકોસ્ટેરોઈડ્સ પણ ઉમેરવામાં આવી શકે છે. લોહીના ગંઠાવાનું જોખમ ઘટાડવા માટે તમને વિટામિન રિપ્લેસમેન્ટ ડ્રિપ્સ અને લોહી પાતળું કરવા માટેનું ઇન્જેક્શન પણ આપવામાં આવી શકે. ચેપ શોધવા અને તમે કેટલા ડિહાઈડ્રેટેડ છો તે જાણવા માટે તમારા કેટલાક રક્ત પરીક્ષણો સાથે જ તમારા પેશાબની તપાસ પણ કરવામાં આવશે. જો તમને આનાથી રાહત થાય, તો તમે ઘરે જઈ શકો છો અને બીજા દિવસે વધુ સારવાર અને દવાઓ માટે પાછા આવી શકો છો. આને દૈનિક ધોરણે ચાલુ રાખી શકાય છે અને હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી. જો તમારા લક્ષણો ખૂબ ગંભીર છે, તો તમને દેખરેખ અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપવામાં આવી શકે છે. તમને મલ્ટિપલ પ્રેગનન્સી અથવા મોલર પ્રેગનન્સી છે કે કેમ તે તપાસવા માટે બિન-તાત્કાલિક પ્રારંભિક પ્રેગનન્સી સ્કેન પણ કરવામાં આવશે.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની શું અસર થશે?

ભવિષ્યની ગર્ભાવસ્થામાં તમને આ બીમારી ફરીથી થવાનું જોખમ વધુ છે, તેથી જો તમને લાગે કે તમને લક્ષણો દેખાઈ રહ્યાં છે, તો બનતી વહેલી તકે મદદ મેળવો.

હું આ સ્થિતિ વિશે વધુ માહિતી ક્યાંથી મેળવી શકું?

Pregnancy Sickness Support Royal College of Obstetricians & Gynaecologists: Pregnancy and sickness Tommy’s: Morning sickness relief information and support NHS Choices: Vomiting and morning sickness