અજ્ઞાત સ્થાનની ગર્ભાવસ્થા (PUL) એ છે જ્યારે તમારી પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ છે પરંતુ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર પ્રેગ્નન્સી જોઈ શકાતી નથી. આવું શા માટે થાય છે તેના ત્રણ મુખ્ય કારણો છે:
1. ગર્ભાવસ્થા એકદમ શરૂઆતનાં તબક્કામાં છે અને અલ્ટ્રાસાઉન્ડ સ્કેનમાં દેખાઈ શકે એ કરતાં ખૂબ નાની છે.
2. ગર્ભની કસુવાવડ થઈ ગઈ છે અને એ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર દેખાતો નથી. ગર્ભાવસ્થાના હોર્મોનનું સ્તર બિન-ગર્ભવતી સ્તરે આવવામાં 3 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે, તેથી પ્રેગ્નન્સી ટેસ્ટ હજી પણ પોઝિટિવ દેખાઈ શકે છે. જો તમને તાજેતરમાં ભારે રક્તસ્રાવ થયો હોય તો આવું થવાની શક્યતા વધુ છે.
3. ગર્ભ ગર્ભાશયની બહાર રહી ગયો છે, જેને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય છે, સાથે જ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર દેખાઈ શકે તે કરતાં ખૂબ નાનો છે.
એ પછી શું થશે?
તમારે તમારા પ્રેગ્નન્સી હોર્મોન (βHCG)નાં સ્તરની તપાસ કરાવવાની રહેશે. કેટલીક હોસ્પિટલો પ્રોજેસ્ટેરોન (અંડાશયના હોર્મોન)નાં સ્તરનું મૂલ્યાંકન કરવા માટે એક ટેસ્ટ પણ લે છે. તમારા સ્થાનિક અર્લી પ્રેગ્નન્સી યુનિટ (EPU) ના પ્રોટોકોલ અનુસાર βHCG સ્તરો પછી 48 કલાકમાં રિપીટ થઈ શકે છે.48-કલાકના સમયગાળામાં βHCG સ્તરમાં 63%નો વધારો (જેને ‘ડબલિંગ ટાઈમ’ તરીકે ઓળખવામાં આવે છે) સામાન્ય રીતે (પરંતુ એકમાત્ર નહીં) ગર્ભાશયમાં વિકસિત થઈ રહેલી ગર્ભાવસ્થા સાથે સંકળાયેલ છે. આ બ્લડ ટેસ્ટની પેટર્ન અન્ય બ્લડ ટેસ્ટ, યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ અથવા રિપીટ અલ્ટ્રાસાઉન્ડ સ્કેન ફરીથી ક્યારે કરવા એ સહિત અન્ય બાબતોનું માર્ગદર્શન આપવામાં મદદરૂપ થશે.આ સમય તણાવભર્યો હોઈ શકે છે અને જ્યારે તમારી પ્રેગ્નન્સીનું સ્થાન અનિશ્ચિત હોય ત્યારે ચિંતા થવી સ્વાભાવિક છે, ખાસ કરીને જો તમને પહેલાં તમને કસુવાવડ થઈ હોય. જો કે, યોગ્ય નિદાન મેળવવા માટે લાગતો સમય મહત્વપૂર્ણ છે અને EPUમાં નિષ્ણાત ટીમ તમને સંપૂર્ણ રીતે સહકાર આપશે. પ્રેગ્નન્સીનાં સ્થાનનું યોગ્ય નિદાન કરવા અને યોગ્ય સારવાર અને સહાય માટે તમને વધુ બ્લડ ટેસ્ટ અને સ્કેન કરાવવાનું કહેવામાં આવશે. જો આ સમય દરમિયાન તમને કોઈ પણ પ્રશ્નો અથવા સમસ્યાઓ હોય, તો તમે ટીમનો સંપર્ક કરી શકશો.
મારે કયા ચિંતાજનક લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ?
આ એક એક્ટોપિક પ્રેગ્નન્સી(ગર્ભાશયની બહાર રહી ગયેલી પ્રેગ્નન્સી) હોવાનું જોખમ હોઈ શકે છે, જે ક્યારેક જીવલેણ આંતરિક (પેટનાં) રક્તસ્રાવનું કારણ બની શકે છે. આવું થવાનું જોખમ ઘણું ઓછું છે અને તમારી EPU ટીમ તમને માર્ગદર્શન આપશે. જો કે, જો તમને નીચેની સમસ્યાઓમાંથી કોઈ સમસ્યા હોય તો તમારે તમારા સ્થાનિક EPU ને સલાહ માટે કૉલ કરવો જોઈએ અથવા તમારાં લોકલ એક્સિડેન્ટ એંડ ઇમર્જન્સી (A&E) વિભાગમાં જવું જોઇએ:
યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ: જો તમને પેટમાં અસહ્ય દુખાવો, તાવ અથવા અસામાન્ય સ્રાવ સાથે ભારે રક્તસ્ત્રાવ થતો હોય તો તમારે તાત્કાલિક તબીબી મદદ લેવી જોઈએ. જો કે, ગર્ભાવસ્થામાં રક્તસ્ત્રાવ થવો સામાન્ય બાબત છે અને એ કદાચ ભારે ન પણ હોય. આ હંમેશા ગંભીર સ્થિતિનો સંકેત નથી હોતો, પરંતુ એની તપાસ થવી જરૂરી છે.
પેટનો (પેડુ) દુખાવો: આ દુખાવો સામાન્ય રીતે તમારા પેટના નીચેના ભાગમાં ઘણું કરીને એક બાજુએ થાય છે જે ધીમે ધીમે અથવા અચાનક વધી જાય છે અને તે ખૂબ તીવ્ર હોઈ શકે છે. પેટમાં અચાનક દુખાવો થાય છે અને અચાનક જ મટી જાય છે અને ક્યારેક એને ‘વાયુ’ પણ માની લેવામાં છે. સગર્ભાવસ્થાના પ્રારંભમાં કોઈ પણ દુખાવાની હંમેશા તપાસ કરાવવી જોઈએ.
ખભાના છેડે દુખાવો: આ ખભાની બ્લેડની આસપાસનો દુખાવો છે, અને જો આવું થાય તો તમારે તાત્કાલિક મેડિકલ હેલ્પ લેવી જોઈએ. આ દુખાવો કદાચ પેટમાં થતાં આંતરિક રક્તસ્રાવને કારણે હોઈ શકે છે અને આ ભાગમાં ચેતાઓમાં થતી બળતરાને કારણે ખભામાં દુખાવો થાય છે.
ઝાડા: આ બીમારી ઉપર વર્ણવ્યા પ્રમાણે આંતરિક રક્તસ્રાવ સાથે પણ સંકળાયેલ હોઈ શકે છે, જેમ કે ખભામાં દુખાવો. આવા કિસ્સાઓમાં પેટમાં દુખાવો પણ થઈ શકે છે અને જો આવું થાય તો તમારે તાત્કાલિક મેડિકલ હેલ્પ લેવી જોઈએ.
એક્ટોપિક પ્રેગ્નન્સી રપ્ચર: ઉપરોક્ત લક્ષણો ઉપરાંત, નીચેનામાંથી કોઈપણ લક્ષણો એક્ટોપિક રપ્ચરનું લક્ષણ હોઈ શકે છે જેને તાત્કાલિક A&Eની સારવારની જરૂર છે – પેટમાં સતત અને તીવ્ર દુખાવો; ઉબકા/ઉલટી; ચક્કર/ ચક્કર આવવાની લાગણી; નિસ્તેજ દેખાવ.