જો તમને GBS ચેપનાં કદાચિત જોખમને કારણે જ પ્રસુતિ દરમિયાન એન્ટિબાયોટિક્સ અપાય છે, તો તેને જન્મ સમયે બંધ કરવામાં આવશે. જન્મ પછી 12-24 કલાક સુધી, તમારી ટીમ ચેપના સંકેતો સહિતની કોઈ પણ બાબત માટે તમારું અને બાળકનું નિરીક્ષણ કરશે. મોનિટરિંગનો હેતુ ચેતવણીનાં પ્રારંભિક લક્ષણો અને સંકેતોને ઓળખવાનો છે. બાળક માટે, આમાં હૃદયના ધબકારા, શ્વસન દર, રંગ, તાપમાન અને ખોરાકનું એકંદર મૂલ્યાંકન અને નિયમિત માપણી સામેલ હશે. બાળક તેની માતા સાથે પોસ્ટનેટલ વોર્ડમાં રહેશે.
સંભવિત ચેપનાં સંકેતો
જન્મ સમયે, બાળકના ડૉક્ટર તમારા પોતાનાં ચેપ, તમારા પ્રસુતિનો કોર્સ અને તમારા બાળકનાં આકારણી સહિતના પરિબળોના આધારે તમારા બાળકને ચેપ લાગવાનાં જોખમની તપાસ કરશે. તમારા બાળકનું કાળજીપૂર્વક નિરીક્ષણ કરવામાં આવશે અને ઓછામાં ઓછા 12 કલાક સુધી તેનાં હૃદયના ધબકારા, શ્વસન દર, રંગ, તાપમાન અને ખોરાકની નિયમિત માપણી કરવામાં આવશે.ચેપના જોખમને આધારે, તમારા બાળકમાં ચેપનું પ્રમાણ નક્કી કરવા માટે અને એન્ટિબાયોટિક્સ લેવા માટે કેટલાક બ્લડ ટેસ્ટ કરાવવાની જરૂર પડી શકે છે. આવા કિસ્સામાં, નિયોનેટલ ડૉકટરો તમારા બાળકના હાથ અથવા પગમાં એક નાની કેન્યુલા મૂકશે, જેમાંથી તેઓ ટેસ્ટ માટે થોડું લોહી લેશે અને એન્ટિબાયોટિક્સ સીધી નસમાં આપશે. જો તમારા બાળકને એન્ટિબાયોટિક્સની જરૂર હોય, તો તે કેન્યુલા દ્વારા દિવસમાં બે વાર અપાશે અને વોર્ડ સ્ટાફ પહેલાંની જેમ જ તમારા બાળકની નજીકથી દેખરેખ રાખવાનું ચાલુ રાખશે.આ સમય દરમિયાન તમારું બાળક પોસ્ટનેટલ વોર્ડમાં તમારી સાથે રહી શકે છે. જો વધુ મુશ્કેલી હોય તો તમારા બાળકની નજીકથી દેખરેખ રાખવા, વધુ ટેસ્ટ અને જરૂરી સારવાર કરવા માટે નિયોનેટલ યૂનિટમાં દાખલ કરવું પડી શકે છે. તમે નિયોનેટલ યૂનિટમાં તમારા બાળકની મુલાકાત લઈ શકશો.
મારાં બાળકને એન્ટિબાયોટિક્સની જરૂર શા માટે છે?
જ્યારે બાળકમાં ચેપનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે, ત્યારે એને મૂલ્યાંકન કર્યા પછી એની સારવાર માટે એન્ટિબાયોટિક્સ આપવાનું શરૂ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે જો બાળકોમાં ચેપની સારવાર ન કરવામાં આવે તો તે ખૂબ જ ગંભીર રૂપ લઈ શકે છે અને તમારું બાળક સ્વસ્થ દેખાવા છતાં ખૂબ જ ઝડપથી બીમાર થઈ શકે છે. સારી વાત એ છે કે એન્ટિબાયોટિક્સ તમારા બાળકને સ્વસ્થ થવામાં અને રહેવામાં મદદ કરી શકે છે.એન્ટિબાયોટિક્સ તેમના લોહીના પ્રવાહમાં સીધા જ આપવી જોઈએ કારણ કે બાળકો તેમના આંતરડામાંથી એન્ટિબાયોટિક્સની પૂરતી માત્રાને શોષી શકતા નથી. તમે તમારા બાળકને સ્તનપાન કરાવી શકશો અને વોર્ડ સ્ટાફ તમારી ફીડિંગ ચોઇસને સમર્થન આપશે.અમે તમને જણાવવા માંગીએ છીએ કે નવજાત શિશુમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગથી સામાન્ય રીતે કોઈ આડઅસર અથવા એલર્જીક પ્રતિક્રિયાઓ થતી નથી. જો તમારા બાળકને શા માટે એન્ટિબાયોટિક્સની જરૂર છે તેની તમને જાણ ન હોય, તો કૃપા કરીને મેડિકલ ટીમને તમને આ વિશે સમજાવવાનું કહો.તમારા બાળકને પકડતી વખતે તમારે કેન્યુલાથી સાવચેત રહેવું પડશે, પણ તમે ત્વચાથી ત્વચા લગાવી શકશો અને તમારા બાળકને સ્તનપાન કરાવી શકશો.
મારા બાળક પર કઈ ટેસ્ટ કરવામાં આવશે?
જો તમારા બાળકને ચેપ માટે તપાસવાની જરૂર પડે, તો સંખ્યાબંધ બ્લડ ટેસ્ટ કરવામાં આવશે, જેમાં સમાવેશ થાય છે:
1) CRP (સી-રિએક્ટિવ પ્રોટીન), જે આપણા શરીરમાં ચેપ અથવા બળતરાના પ્રતિભાવમાં ઉત્પન્ન થાય છે. ઉચ્ચ CRP શરીરમાં ચેપની હાજરી સૂચવે છે.
2) લોહીમાં કોઈ બેક્ટેરિયા વધી રહ્યા છે કે કેમ તે શોધવા માટે બ્લડ કલ્ચર. આનું પરિણામ ટેસ્ટના 36-48 કલાકની અંદર ઉપલબ્ધ થઈ શકે છે.
જન્મના 18-24 કલાક પછી, CRP ટેસ્ટ સામાન્ય રીતે હીલ પ્રિકમાંથી લોહીની થોડી માત્રા એકત્રિત કરીને ફરીથી કરવામાં આવે છે.જો કોઈ પણ તબક્કે તમારા બાળકનું સ્વાસ્થ્ય અથવા કોઈ પણ પરિણામો ચિંતાજનક હોય, તો તેમને ચેપની જગ્યા શોધવા માટે છાતીનો એક્સ-રે અને/અથવા લંબર પંચર જેવા વધુ ટેસ્ટ કરવા પડી શકે છે અને એની સારવાર માટે એન્ટિબાયોટિક્સના લાંબા કોર્સની જરૂર પડે છે. નિયોનેટલ ડૉકટરો તમારી સાથે આ વિશે ચર્ચા કરશે.
મારાં બાળકને એન્ટિબાયોટિક્સની જરૂર કેટલા સમય સુધી પડશે?
તમારા બાળકને એન્ટીબાયોટીક્સ આપવાની સમયા અવધિનો આધાર તમારું બાળક કેટલું સ્વસ્થ છે અને પરિણામો શું દર્શાવે છે તેનાં પર છે.જો તમારું બાળક સ્વસ્થ છે, CRP વધારે નથી અને લોહીમાં કોઈ બેક્ટેરિયા વધી નથી રહ્યાં, તો એન્ટિબાયોટિક્સ સામાન્ય રીતે 36-48 કલાક પછી બંધ કરી શકાય છે. જો કોઈ ચિંતાજનક બાબત હોય તો એન્ટિબાયોટિકનો લાંબો કોર્સ સૂચવવામાં આવી શકે છે.
અમે ઘરે ક્યારે જઈ શકીશું?
જન્મ સમયે, તમે અને તમારું બાળક ક્યારે ઘરે જઈ શકશો તે જાણવું મુશ્કેલ છે. 36-48 કલાક પછી, ડૉકટરોને જરૂરી સારવારની અવધિ વિશે વધુ સારી રીતે ખ્યાલ આવશે. તમારી ટીમ દરરોજ તમને અને તમારા બાળકને વોર્ડમાં રિવ્યુ કરવાનું ચાલુ રાખશે જ્યાં સુધી તેમને ખાતરી ન થાય કે તમે બંને ઘરે જવા માટે સંપૂર્ણપણે સ્વસ્થ છો.હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે, તમને વોર્ડમાં આપવામાં આવેલી મેડિકલ સારવાર વિશે લેખિત માહિતી આપવામાં આવશે. તમે આને તમારી સામુદાયિક દાયણ અને આરોગ્ય તપાસનીશ સાથે શેર કરી શકો છો. તમારા GPને પણ આ માહિતી મોકલવામાં આવશે.
જો તમને અથવા તમારા બાળકને GBS હોવાનું નિદાન થયું હોય તો આગામી ગર્ભાવસ્થા માટે માર્ગદર્શન
જો તમે ફરીથી ગર્ભવતી થાઓ, તો કૃપા કરીને તમારી સંભાળ રાખતી પ્રસુતિ દેખભાળ ટીમને GBSની પોઝિટિવ ટેસ્ટ વિશે જણાવો, જેથી તેઓ બાળકને લાગી શકતાં GBS ચેપનાં જોખમને ઘટાડવા માટે પ્રસૂતિ વખતે એન્ટિબાયોટિક્સ આપી શકે.
જો મને કોઈ સમસ્યા હોય, તો મારે શું કરવું જોઈએ?
સામુદાયિક દાયણ દ્વારા સતત પ્રસુતિ દેખભાળ પૂરી પાડવામાં આવે છે, જે હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી તમે જ્યાં રહેશો ત્યાંની સ્થાનિક રહેવાસી હશે. તમે ઘરે આવ્યાનાં 24-48 કલાકની અંદર સામુદાયિક દાયણ તમારો સંપર્ક કરશે. તેઓ તમારી અને તમારા બાળકની સંભાળમાં મદદ કરશે.જો તમને તમારા અથવા તમારા બાળકના સ્વાસ્થ્ય અંગે કોઈ તાત્કાલિક સમસ્યા હોય, તો કૃપા કરીને તમારા GP, NHS 111, 999 પાસેથી મેડિકલ સલાહ લો અથવા તમારા સ્થાનિક અકસ્માત અને ઇમર્જન્સી વિભાગમાં હાજર થાઓ. બાળક માટેની સમસ્યાઓમાં બાળકની અસામાન્ય વર્તણૂક (ઉદાહરણ તરીકે, અસાધારણ રીતે રડવું અથવા સુસ્તી), અસામાન્ય રીતે ફ્લોપી હોવું, પર્યાવરણીય પરિબળોને કારણે અસામાન્ય તાપમાન (36 કરતાં ઓછું અથવા 38 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં વધુ), અસામાન્ય શ્વાસ (ઝડપી શ્વાસ, શ્વાસ લેવામાં તકલીફ અથવા અસ્પષ્ટ અવાજ), અથવા ચામડીના રંગમાં ફેરફાર (ઉદાહરણ તરીકે બાળકની ચામડીનો રંગ ખૂબ જ નિસ્તેજ, વાદળી/ગ્રે અથવા ઘેરો પીળો થઈ જાય છે) અથવા તેનાં ફીડિંગમાં ઊભી નવી મુશ્કેલીઓ સામેલ હોઈ શકે છે.