Type 1 diabetes: Frequently asked questions

ટાઈપ 1 ડાયાબિટીસ: વારંવાર પૂછાતા પ્રશ્નો

આનું નિદાન કેવી રીતે થાય છે?

આ નિદાન ગર્ભાવસ્થા પહેલા કરવામાં આવે છે. ટાઈપ 1 ડાયાબિટીસ ધરાવતી તમામ મહિલાઓને શારિરીક રીતે સ્વસ્થ બનવા માટે પ્રી-કન્સેપ્શન કાઉન્સેલિંગ ઑફર કરવામાં આવશે.

આનો અર્થ શું છે?

મારા માટે: પહેલાથી અસ્તિત્વમાં રહેલાં આંખનાં ડાયાબિટીસને અથવા કિડનીની સમસ્યાઓને ગર્ભાવસ્થા વધારી શકે છે અથવા વધુ બગાડી શકે છે. પ્રથમ ત્રિમાસિકમાં તમને લો બ્લડ સુગર થવાનું જોખમ વધારે રહેલું છે. ગર્ભાવસ્થાના બીજા ભાગમાં તમને ડાયાબિટીક કીટોએસિડોસિસ અને પ્રી-એક્લેમ્પસિયા અને પ્રિટર્મ ડિલિવરીનું જોખમ વધારે હોય છે. તમારે ગર્ભાવસ્થા દરમિયાન હોસ્પિટલની વધુ મુલાકાત લેવાની જરૂર પડશે અને તમે નિષ્ણાત ટીમની દેખરેખ હેઠળ હશો. મારા બાળક માટે: કસુવાવડ અથવા મૃત બાળકનો જન્મ થવાનું જોખમ વધુ રહે છે. ગર્ભધારણ સમયે અને પ્રથમ ત્રિમાસિક દરમિયાન જો તમારા લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઊંચું હોય, તો જન્મજાત અસાધારણતા (તમારા બાળકમાં જન્મજાત ખામી)નું જોખમ વધી જાય છે. ગર્ભાવસ્થાના બીજા ભાગમાં હાઈ બ્લડ સુગર લેવલને લીધે તમારા બાળકના કદમાં વધારો થાય છે અથવા એનો વિકાસ રોકાઈ (વૃદ્ધિની ગતિ ધીમી થાય) શકે છે. આ બાબત તમારા બાળકની ડિલિવરી વધુ જટિલ બનાવી શકે છે. તમારા બાળકનાં જન્મ પછી તેનાં લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ઓછું હોવાની શક્યતા વધુ હોય છે અને સાથે જ તેને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હોઈ શકે છે જેનાં માટે નિષ્ણાતની સહાયની જરૂર પડે છે.

મેડિકલ ટીમ શી ભલામણ કરશે?

તમારે ડાયાબિટીસ અને પ્રેગ્નન્સીનાં સંયુક્ત ક્લિનિકની મુલાકાત અવારનવાર લેવી પડશે. તમારું પ્રથમ સ્કેન 7-9 અઠવાડિયામાં થવું જોઈએ અને તમારે સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન વધારાના સ્કેન કરાવવાની જરૂર પડશે. તમને તમારા આહારમાં ફેરફાર કરવા અને તમારી શારીરિક પ્રવૃત્તિ જાળવી રાખવા/વધારવાનું કહેવામાં આવશે.

કયા ટેસ્ટ કરાશે/ધ્યાનમાં લેવાશે? એમની જરૂર કેટલી વાર પડશે?

તમને તમારા બ્લડ શુગર લેવલને અવારનવાર માપવાનું કહેવામાં આવશે. તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ માટે વધુ સપોર્ટ આપવામાં આવશે અને સતત ગ્લુકોઝ મોનિટરિંગ સેન્સર અને કીટોન મીટર આપવામાં આવશે. તમને યાદ અપાવવામાં આવશે કે તમારા લોહીમાં શર્કરાનું ટારગેટ સ્તર શું હોવું જોઈએ અને તમારે તમારા બ્લડ ગ્લુકોઝને ઓછામાં ઓછા 70% જેટલો સમય તે શ્રેણીમાં રાખવાનું ટારગેટ રાખવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તમારે નિયમિત આંખની તપાસ કરાવવાની જરૂર પડશે. તમારા બ્લડ પ્રેશર અને કિડની બ્લડ ટેસ્ટને પણ ખૂબ બારીકીથી મોનિટર કરવામાં આવશે.

મારે કયા લક્ષણો અને ચિન્હો પર ધ્યાન આપવું જોઈએ?

પ્રથમ ત્રિમાસિકમાં મોર્નિંગ સિકનેસ તમારા બ્લડ શુગર લેવલને અસર કરી શકે છે. જો તમને ઉલટી થતી હોય તો તમને એન્ટિ-સિકનેસ દવાઓની જરૂર પડી શકે છે, તેથી તમારી નિષ્ણાત મેટર્નિટી ટીમને આ બાબતની જાણ કરો. સગર્ભાવસ્થા દરમિયાન એન્ટિ-સિકનેસ દવા વાપરવામાં સલામત હોય છે. તમારી ઓછી બ્લડ શુગર વિશે તમે અજાણ હોવ એવી શક્યતા વધુ છે. તમારી પાસે ઘરે ગ્લુકોગન પેન હોવી જોઈએ અને તમે બીમાર હો તો કટોકટીમાં આનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તમારા જીવનસાથી/કુટુંબને જાણ હોવી જોઈએ.

એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેમનાં વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?

જો તમને અસ્વસ્થતા લાગે અથવા તમે નિયમિત ઇન્સ્યુલિન લેવામાં અસમર્થ હોવ, તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ. જો પેટમાં તમારું બાળક હલતું ન હોય તો તમારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું જોઈએ.

ઉપચારનાં વિકલ્પો વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?

તમારે ગર્ભધારણનાં ઓછામાં ઓછા 3 મહિના પહેલાં અને ગર્ભાવસ્થાનાં 16 અઠવાડિયા સુધી દરરોજ 5mg ફોલિક એસિડ લેવું જોઈએ. પ્રી-એક્લેમ્પસિયાના જોખમને ઘટાડવા માટે તમારે 12થી 36 અઠવાડિયા સુધી દરરોજ રાત્રે 75mg-150mg એસ્પિરિન લેવી જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન તમારી ઇન્સ્યુલિનની માત્રા બદલાશે. ઉદાહરણ તરીકે, તમે ગર્ભાવસ્થાના પ્રારંભમાં (સામાન્ય રીતે 8-16 અઠવાડિયામાં) તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાતમાં ઘટાડો અને ગર્ભાવસ્થાના બીજા ભાગમાં ઇન્સ્યુલિનની જરૂરિયાતમાં વધારો જોઈ શકો છો. હોસ્પિટલમાં તમારી નિષ્ણાત ટીમ સાથે તમામ સારવાર અંગે જરૂર ચર્ચા કરો.

જન્મનાં સમય વિશે કઈ ભલામણો કરવામાં આવે છે?

તમને લગભગ 38માં અઠવાડિયે ડિલિવરી કરવાની સલાહ આપવામાં આવશે. ડિલીવરી વહેલી પણ થઈ શકે છે જો તમને, તમારા બ્લડ ગ્લુકોઝના સ્તરને અથવા તમારા બાળકને કોઈ સમસ્યા હોય. 36 અઠવાડિયા સુધીમાં તમારી ટીમે તમારી સાથે મળીને જન્મ માટે યોજના બનાવવી જોઈએ.

આ મારી જન્મ આપવાની પસંદગીને કઈ રીતે અસર કરશે?

જો તમારી ટીમને લાગે કે લેબર ઇન્ડક્શન તમારા માટે સલામત છે, તો તેઓ તમને એ ઓફર કરરી શકે છે. લેબર દરમ્યાન તમને બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગની જરૂર પડશે.

જન્મ પછીની સંભાળ પર આ કેવી રીતે અસર કરી શકે છે?

જન્મ પછી તમારી અને તમારા બાળકની ખૂબ નજીકથી દેખરેખ રાખવાની જરૂર પડશે. જન્મ પછી તમારા બાળકને લોહીમાં શુગરનું સ્તર ઓછું થવાનું જોખમ રહેલું છે. જો તમે સ્તનપાન કરાવતા હોવ તો તમે જોઈ શકો છો કે ફીડ કરતાં હોવ ત્યારે અને તેનાં પછી તમારૂં ગ્લુકોઝનું સ્તર ઝડપથી ઘટી જાય છે. તમારી ઇન્સ્યુલિનની જરૂરિયાતને નિયંત્રિત કરવા માટે ડિલિવરી પહેલા જન્મની યોજના નક્કી કરી લેવી જોઈએ.

ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આ ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?

બે ગર્ભાવસ્થાની વચ્ચે તમારાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

મારા ભવિષ્ય/લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય પર આની કેવી અસર થશે? હું કેવી રીતે આને પ્રભાવિત કરી શકું?

તમને મેટર્નિટી કેરમાંથી રજા આપવામાં આવે તે પહેલાં ગર્ભનિરોધક અને ફોલો-અપ પ્લાન નક્કી કરવો જોઈએ.