ફાઈબ્રોઈડ એ કેન્સર વિનાની સૌમ્ય વૃદ્ધિ (ગાંઠ) છે જે ગર્ભાશયમાં અંદર અથવા ઉપરની બાજુએ જોવા મળે છે. તે પોતાનાં સ્થાનનાં કારણે પ્રજનનક્ષમતા અને ગર્ભધારણ પર અસર કરી શકે છે.ગર્ભાશયમાં ફાઇબ્રોઇડ્સનું પ્રમાણ ઘણું સામાન્ય છે. 25 થી 44 વર્ષની વયની 30% મહિલાઓમાં ફાઈબ્રોઈડના લક્ષણો જોવા મળે છે. આનો અર્થ એ છે કે ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ મહિલાના ફળદ્રુપ વર્ષો દરમિયાન સામાન્ય છે. અલ્ટ્રાસાઉન્ડ સ્કેન પર ન દેખાય ત્યાં સુધી તમને ફાઈબ્રોઈડ હોવાની તમને કદાચ ખબર પણ ન હોય.મોટાભાગની મહિલાઓને તેમની ગર્ભાવસ્થા દરમિયાન ફાઈબ્રોઈડની કોઈ અસર થતી નથી, પણ ફાઈબ્રોઈડ ધરાવતી કેટલીક મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલીઓ ઊભી થાય છે. ખાસ કરીને જો ફાઈબ્રોઈડ 5 સે.મી.થી વધુ હોય, તો ઘણી પીડાનું કારણ બને છે.ફાઈબ્રોઈડ ગર્ભાવસ્થા અને જન્મ દરમિયાન અન્ય મુશ્કેલીઓ ઊભી થવાનું જોખમ વધારી શકે છે જેમાં સામેલ છે:
ગર્ભના વિકાસમાં અવરોધ (ધીમી વૃદ્ધિ) – ગર્ભાશયમાં મોટા ફાઇબ્રોઇડ્સને કારણે જગ્યા ઓછી હોવાને લીધે બાળકનો વિકાસ અટકી શકે છે.
પ્લેસેન્ટલ એબ્રપ્શન – આ ત્યારે થાય છે જ્યારે ફાઇબ્રોઇડ દ્વારા અવરોધાવાને લીધે પ્લેસેન્ટા ગર્ભાશયની દિવાલથી દૂર થઈ જાય છે.
સમયથી પહેલાં જન્મ – ફાઈબ્રોઈડથી થતી પીડાને લીધે ગર્ભાશય સંકોચાઈ શકે છે, જેના પરિણામે બાળકનો જન્મ વહેલો થઈ શકે છે.
કસુવાવડ – ફાઈબ્રોઈડ ગર્ભાવસ્થાના પ્રારંભમાં અચાનક થતી કસુવાવડનું જોખમ વધારે છે.
સીઝેરીયન જન્મ – ગર્ભાશયમાં ફાઈબ્રોઈડની હાજરી અને એનાં સ્થાનને કારણે સીઝેરીયન જન્મની જરૂરિયાત ઊભી થઈ શકે છે. જો ફાઈબ્રોઈડ્સ ગર્ભાશયના નીચેના ભાગમાં સ્થિત હોય, તો તે બર્થ કેનાલનાં મુખને બ્લૉક કરી શકે છે જેના પરિણામે સિઝેરિયન જન્મની જરૂર પડે છે.
પોસ્ટપાર્ટમ હેમરેજ – નબળું સંકોચન જન્મ પછી રક્તસ્રાવ તરફ દોરી શકે છે. જો ફાઈબ્રોઈડની હાજરીને કારણે ગર્ભાશય સંકોચાઈ શકતું ન હોય, તો પ્લેસેન્ટા પૂરી પાડતી રક્ત વાહિનીઓમાંથી લોહી સતત વહી શકે છે. પોસ્ટપાર્ટમ હેમરેજ (રક્તસ્ત્રાવ) એ મેડિકલ ઇમર્જન્સી છે અને સામાન્ય રીતે જન્મના 24-48 કલાક પછી થાય છે. તમારે તાત્કાલિક મદદ લેવી જોઈએ.
જો તમને ખબર હોય કે તમને ફાઈબ્રોઈડ છે અને તમને ગર્ભાવસ્થા દરમિયાન પીડા, રક્તસ્રાવ અથવા સંકોચનનો અનુભવ થાય છે, તો તમારે શક્ય તેટલી વહેલી તકે તમારા પ્રસુતિ યૂનિટ પાસેથી મેડિકલ સલાહ લેવી જોઈએ.