તમારા પ્લેસેન્ટા (ગર્ભનું વેષ્ટન) નું સ્થાન તમારી ગર્ભાવસ્થાની મધ્યમાં એનોમલી અલ્ટ્રાસાઉન્ડ સ્કેન દ્વારા શોધવામાં આવે છે.જો પ્લેસેન્ટા ગર્ભાશયની ગરદનને ઢાંકતું હોય તો તેને પ્લેસેન્ટા પ્રેવિયા કહેવામાં આવે છે; જો તે ગર્ભાશયની ગરદનને ઢાંકતું ન હોય, પણ ગર્ભાશયની ગરદનથી 20mm ની અંદર હોય તો તેને નીચાણવાળું પ્લેસેન્ટા કહેવામાં આવે છે.ગર્ભાવસ્થાના અંતિમ સમયની આસપાસ, સામાન્ય રીતે લગભગ 36 અઠવાડિયામાં પ્લેસેન્ટાનું સ્થાન ફરીથી તપાસવામાં આવે છે. 10 માંથી 9 મહિલાઓને તેમના ફોલો-અપ સ્કેન વખતે નીચાણવાળું પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયા નથી હોતું.
આનો અર્થ શું છે?
મારા માટે
નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયાને લીધે ગર્ભાવસ્થા દરમિયાન રક્તસ્રાવ થવાની સંભાવના વધી જાય છે.ગર્ભાવસ્થાના અંત સમયે નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયા ધરાવતી તમામ મહિલાઓને સિઝેરિયન જન્મની ભલામણ કરવામાં આવે છે.
મારા બાળક માટે
જો ગર્ભાવસ્થા દરમિયાન નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયાને લીધે યોનિમાર્ગમાંથી અત્યંત ભારે રક્તસ્રાવ થતો હોય, તો એનાંથી તમારા બાળકના સ્વાસ્થ્યને અસર થાય છે. જો કોઈ મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન યોનિમાર્ગમાંથી અત્યંત ભારે રક્તસ્રાવ થાય તો સમય પહેલા બાળકનો જન્મ કરાવવાની જરૂર પડી શકે છે.જો તમને યોનિમાર્ગમાથી રક્તસ્રાવ, સંકોચન અથવા દુખાવો થાય તો તમારે વિના વિલંબ હોસ્પિટલમાં જવું જોઈએ.
એવા કયા ‘રેડ ફ્લેગ’ લક્ષણો/સમસ્યાઓ છે, જેના વિશે મારે તાત્કાલિક જાણ કરવી જોઈએ?
જો તમને યોનિમાર્ગમાંથી રક્તસ્રાવ, સંકોચન અથવા દુખાવો થાય તો તમારે વિના વિલંબ હોસ્પિટલમાં જવું જોઈએ
આનાથી મારી જન્મની પસંદગી પર શી અસર પડશે?
ગર્ભાવસ્થાના અંત સુધી નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયા ધરાવતી તમામ મહિલાઓને પૂર્વ આયોજિત સિઝેરિયન જન્મની ભલામણ કરવામાં આવે છે.સિઝેરિયન જન્મ દરમિયાન ભારે રક્તસ્રાવ થવાની શક્યતા છે અને રક્તસ્ત્રાવથી થતાં નુકશાનને ઓછું કરવા લોહી ચઢાવવાની અને દવાઓની જરૂર પડી શકે છે. જો રક્તસ્રાવને નિયંત્રિત કરવાનો બીજો કોઈ રસ્તો ન હોય તો, નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયાને લીધે સિઝેરિયન જન્મ સમયે તમારા ગર્ભાશય(હિસ્ટરેકટમી)ને દૂર કરવાની જરૂર ભાગ્યે જ પડી શકે છે.
ભવિષ્યની ગર્ભાવસ્થા પર આની કેવી અસર થશે? આવું ફરીથી થવાનું જોખમ હું કેવી રીતે ઘટાડી શકું?
નીચાણવાળા પ્લેસેન્ટા અથવા પ્લેસેન્ટા પ્રેવિયા થવાનો આધાર અગાઉના સિઝેરિયન જન્મ, આસિસ્ટેડ પ્રજનન તકનીકો અને ધૂમ્રપાન પર રહેલો છે.